Wednesday 18 April 2018

Meet With Mehul Soni


દોસ્તો ! તાજેતરમાં મેહુલભાઈ સોની દ્વારા એક નવી ઈન્ટરવ્યુની શ્રેણી શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રથમ ઈન્ટરવ્યુ પણ મારો લેવામાં આવ્યો છે. Meet With Mehul Soni નો પ્રથમ ઈન્ટરવ્યુ અહીં રજુ કરું છું.

#MeetWithMehulSoni
Part - 1
#મિટવિથમેહુલસોની
ભાગ - 1

આજે રવિ ડાંગર આવું કોઈ બોલે ત્યાં જ બધા બોલી ઊઠે કે,'મોરબીવાળા ને!' નાની ઉંમરમાં મોટાં-મોટાં કામ કર્યા અને એટલે જ કહેવાય પણ છે કે,'નાની ઉંમરમાં મોટું નામ - રવિ ડાંગર'
એક રવિ રોજ સવારે આકાશે ઊગીને તેનાં પ્રકાશથી આપણને જગાડે છે જયારે બીજો રવિ મોરબીથી પોતાનાં અવાજથી સાહિત્યની અવનવી વાતોથી આપણને જગાડે છે.આવો ! આજે મોરબીનાં યુવાકવિ  રવિ ડાંગરની સાથે મુલાકાત કરીએ અને કેટલાંક રોચક પ્રશ્નો પૂછીએ અને તેનાં જવાબ મેળવીએ.

1. - મેહુલભાઈ સોની : તમે ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર આ લાખો લોકોના દિલ સુધી પહોચડાવાનો વિચાર કેવી રીતે સ્ફુર્યો?

જવાબ - રવિભાઈ ડાંગર :
નાનો હતો ત્યારથી બોલવાનો અનોખો શોખ.ટીવી અને રેડીયોનાં કાર્યક્રમમાં કોઈને બોલતા જોવ તો એમ થાય કે હું આનાથીય સારું બોલી શકું ! જિંદગીમાં કેટલાંય ટી.વી. અને રેડીયોનાં સ્ટુડીયોમાં નાનો હતો ત્યારે કોઈ કાર્યક્રમમાં કવિતા બોલવા કે ગમે તે વિષય પર કંઈક બોલવું છે તેવી અભ્યર્થનાં થકી જતો પરંતુ,સ્ટુડીયોનાં રિસેપ્શન પરથી કહી દેવામાં આવતું કે તમે કોઈને મળી ના શકો,સમય ન હોય.કેટલીય વાર તો આ વારે આવજો એવું કહે ને હું તેને કહ્યા પ્રમાણે જાવ તોય ધક્કા ખવડાવે.તે સમયે આર્થિક પરિસ્થિતિ નબળી પણ પપ્પા મને ક્યારેય એમ ન કહે કે તારે નથી જવાનું એ હંમેશા મદદ કરે.એક ટીવી ચેનલમાં તો કેમેરા સામે અનુભવ છે??? તું બોલી ના શકે આવું હું કંઈ બોલું એ પહેલાં જ કહી દિધું.પછી થયું કે રવિ છું ઊગીને જ રહીશ પછી શરૂઆત કરી,'ગુડ મોર્નિંગ ગુજરાત વિથ રવિ ડાંગર'ની અને આ વિચાર એટલે પણ આવ્યો કે સાહિત્ય લખાય છે પણ જોઈ એટલું વંચાતું નથી લોકો આપણાં સાહિત્યને માણતા થાય એવા આશયથી પણ આ કાર્યક્રમની રચના કરી.

2. - મેહુલભાઈ સોની : તમે નાની ઉમરમાં ઘણી સિદ્ધિ મેળવી છે, એક દિવસ તમે મહાન વ્યક્તિ હશો ત્યારે તમે તમારા ખાસ મિત્ર જે સામાન્ય હોય તો તેના પ્રત્યે કેવું વર્તન હશે?

જવાબ - રવિભાઈ ડાંગર :
દુનિયાની નજરમાં કદાચ મેં નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે પણ મારા મતે તો મેં કંઈ હજુ કર્યું જ નથી.હું કોઈ મહાન માણસ બનું તો કદાચ સમય બદલાશે પણ હું એ જ રવિ ડાંગર રહીશ જે આજે છે એટલે લોકો પ્રત્યે મારો આદર,સાદાય અને સચ્ચાઈ તો એની એ જ રહેશે.

3. - મેહુલભાઈ સોની : પ્રેમ વિશે કંઈક કહેશો?

જવાબ - રવિભાઈ ડાંગર :
પ્રેમ વિશે એટલું જ કહીશ કે,'પ્રેમ એટલે સ્વયં પરમેશ્વર.જેને અડી ન શકાય પણ અનુભવી શકાય.બીજું પ્રેમ એટલે શાહી વિનાની પેનથી લખાયેલ એક પત્ર પરની વાત.'

4. - મેહુલભાઈ સોની : શું નસીબ-કિસ્મત જેવું કઈ હોય તમારું શું માનવું છે?

જવાબ - રવિભાઈ ડાંગર :
હા,નસીબ અને કિસ્મત જેવું હોય છે.કારણ કે ઘણીવાર મહેનત કરતાંય જે નથી મળતું તે વગર મહેનતે પણ તમને મળતું હોય છે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી.

5. - મેહુલભાઈ સોની : તમને મોટા થઈને શું બનવું વધું પસંદ કરો?

જવાબ - રવિભાઈ ડાંગર :
મોટા થઈને એક સારો કવિ,એન્કર,RJ,એક્ટર આ બધું બનવાનું પસંદ કરું પણ આ બધાની પહેલાં એક સારો અને સાચો માણસ બનવાનું પસંદ કરું.

6. - મેહુલભાઈ સોની : તમે ગઝલ-કવિતા વગેરે લખો છો તેમાં પણ તમારા દિલની વાતો વણી લ્યો છો?

જવાબ - રવિભાઈ ડાંગર :
હું ગઝલ-કવિતા ક્યારેય લખતો નથી પણ લખાય જાય છે.દિલની વાત જે બોલીને કદાચ ન કરી શકાય કે રજુ ન કરી શકાય તેને હું ગઝલ કે ગીતોમાં પણ વણી લેતો હોવ છું.

7.- મેહુલભાઈ સોની : નવોદિત લેખક-કવિ અને ખાસ તો એન્કર તરીકે તમે ઉપસી આવ્યા છો તો તેનો શ્રેય કોને આપો?

જવાબ - રવિભાઈ ડાંગર :
હું સફળ થઈ રહ્યો છું તેની પાછળ કેટલાય લોકોનો સહયોગ છે.જેમકે મારા મમ્મી-પપ્પા,બહેન,પરિવારજનો,શિક્ષકો,વડીલો અને મને અનહદ વ્હાલ કરતાં અનેક ગુજરાતીઓ એટલે કે આ જે સફળતા છે તે મારા એકલાની સફળતા નથી પણ મને વ્હાલ કરતાં દરેક લોકોની સફળતા છે.

8. - મેહુલભાઈ સોની : તમારા પરિવારમાંથી સાહિત્ય પ્રેમી કોઈ હતું કે તમે જ પહેલા છો?

જવાબ - રવિભાઈ ડાંગર :
પપ્પા તબલા વગાડે એટલે ભજનમાં તબલાં વગાડવાં જાય.મમ્મીને વાંચવાનો શોખ અને બહેન પણ કહેતી હોય કે મને હંમેશા એવું થાય કે કોઈ કવિને મળું પણ ઘરમાં જ ભાઈ કવિ હોય તેની તેને કલ્પના પણ નહોતી કરી.મૂળ આમ ઘરમાં મમ્મી અને બહેનને સાહિત્ય વાંચવું ગમે પણ કોઈ કંઈ લખતું નહોતું એટલે એવું કહી શકાય કે આ રીતે કોઈ લખતું હોય તો તે હું અમારા પરિવારમાંથી પહેલો છું.

9. મેહુલભાઈ સોની : તમે મેરેજ ક્યારે કરશો??

જવાબ - રવિભાઈ ડાંગર :
હું મોટો થાવ ને લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે...

10. મેહુલભાઈ સોની : તમે તમારા પ્રિય લોકોને તમે કોઈ સંદેશો આપશો?

જવાબ - રવિભાઈ ડાંગર :
હા,એટલું કહીશ કે જીવનમાં દરેક સમયે ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતાજીમાં કહેલી વાત યાદ રાખવાની કે,'જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે 'બસ જીવનમાં એક સાચા અને સારા માણસ બનજો તે પણ સૌથી મોટી સફળતા જ છે.


આપે આ ઈન્ટરવ્યુ પરથી રવિભાઈ ડાંગરનાં જીવનની એવી કેટલીય વાતો જાણી હશે જે તમને ખબર નહીં હોય.આપને આ ઈન્ટરવ્યુ કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.ફરી મળીશ આવતાં રવિવારે સાંજે એક ગુજરાતનાં આદર્શ વ્યક્તિ સાથે #MeetWithMehulSoni માં...

આભાર...
- મેહુલ સોની